ફોન પર વાત કરવાથી વીજળી પડે તે વાત કેટલી સાચી?
અપડેટ • કેવલ ઉમરેટિયા
જ માનો સોશિયલ મીડિયાનો છે. દરરોજ કંઇકને કંઇક વાઇરલ થતું રહે છે. સમસ્યા એ છે કે સાચા કરતાં ખોટું વધારે વાઇરલ થાય છે. અત્યારે દેશમાં ચોમાસુ જામ્યું છે ત્યારે વીજળી. વરસાદ અને મોબાઇલને લગતા કેટલાક વિડીયો, ફોટો અને મેસેજ ફરી રહ્યા છે, જેમાં એવું જ્ઞાન પીરસવામાં આવ્યું છે કે વરસાદ દરમિયાન આકાશમાં વીજળી થતી હોય ત્યારે મોબાઇલ ફોનનો ઉપયોગ ના કરવો જોઈએ. મોબાઇલ ફોન વીજળીને આકર્ષે છે અને તમારા પર વીજળી પડવાનું જોખમ વધે છે. તમારા સુધી પણ આ બહુમૂલ્ય જ્ઞાન પહોંચ્યું જ હશે અને કેટલાય લોકોએ આ જ્ઞાનને આગળ મોકલીને સમાજ પ્રત્યેની ફરજ નિભાવ્યાનો સંતોષ લીધો હશે.
જોકે, હકીકત એ છે કે આ જ્ઞાન નથી પણ અજ્ઞાન છે, આવું હું નહીં વિજ્ઞાન કહે છે. ઘણા લોકો આ વાતને સાચી પણ માને છે. અને વરસાદના સમયે મોબાઈલ ફોન ના વાપરવાની સલાહ આપે છે. સામાન્ય લોકો તો સમજ્યા પરંતુ કેટલાક મોટા અધિકારીઓએ પણ આવી વાતો શેર કરી. કેટલાક વાચકોએ પણ આ સવાલ પૂછ્યો છે. તો ચાલો, જાણીએ કે વીજળીને મોબાઇલ સાથે શું લેવાદેવા છે?
વિજ્ઞાન શું કહે છે?
અત્યાર સુધી દુનિયામાં ક્યાંય પણ એવું સંશોધન નથી થયું જેમાં સાબિત થયું હોય કે મોબાઇલ ફોન વીજળીને આકર્ષે છે. ઊલટાનું નિષ્ણાતો અને વિજ્ઞાનના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓ તો કહે છે કે આ વાત એકદમ ખોટી છે. એવો દાવો કરાય છે કે ફોનમાં જે સિગ્નલ આવે છે તેના મારફત વીજળી આકર્ષાય છે અને ફોન સુધી પહોંચે છે. જ્યારે હકીકત એ છે કે ફોન રેડિયો તરંગનો ઉપયોગ કરે છે. આ રેડિયો તરંગ વીજળીને આકર્ષતા નથી અને તેનું વહન પણ નથી કરતા.
અમેરિકાની ‘ધ નેશનલ વેધર સર્વિસ' (NWS)નું કહેવું છે કે મોબાઇલ ફોન કે પાતુની વસ્તુઓ વીજળીને આકર્ષે છે તે વાત ખોટી છે. વીજળી તો ઊંચાઇવાળી જગ્યા, ખુલ્લું મેદાન, વૃક્ષો, ઊંચું બાંધકામ, ટાવર વગેરે તરફ આકર્ષાય છે. 'ઓસ્ટ્રેલિયન મોબાઇલ ટેલિકોમ્યુનિકેશન્સ એસોસિયેશન' (AMTA)નું કહેવું છે કે મોબાઈલ ફોન એક લો પાવર ડિવાઇસ છે. તેમાં એવી કોઈ વિશેષતા નથી હોતી કે તે આકાશમાંથી વીજળીને આકર્ષી શકે. હા, બધાએ એક વાતની સલાહ જરૂર આપી કે વીજળી થતી હોય ત્યારે લેન્ડલાઈન ફોન, તેમજ ચાર્જિંગમાં રહેલાં ઉપકરણોનો ઉપયોગ ના કરવો જોઇએ. એટલે કે મોબાઈલ ફોન વીજળીથી સુરક્ષિત છે પણ લેન્ડલાઇન ફોન નથી, કારણ કે તે તાર સાથે
જોડાયેલો છે. કાગડાનું બેસવું અને ડાળનું તૂટવું
વીજળી પડવાનું કારણ મોબાઇલ નથી પણ લોકો ક્યાં ઊભા છે તે છે. વધારે સરળ ભાષામાં કહીએ તો, વીજળીને મોબાઇલ સાથે નહીં પણ ઝાડ અને આપણા શરીર સાથે લેવાદેવા છે. મોબાઈલ તો કારણ વગર જ બદનામ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવે છે કે, વરસાદના સમયે ઝાડ નીચે ના ઊભા રહેવું જોઇએ. આ વાત એકદમ સાચી છે. ઝાડ પર વીજળી પડવાની શક્યતા વધારે હોય છે. તેમાંય આસપાસ ખુલ્લું મેદાન હોય તેવા ઝાડ પર વીજળી પડવાની શક્યતા સૌથી વધારે છે. વીજળીને જમીનમાં જવું હોય છે એટલે ઉપરથી નીચે આવતા જે સૌથી ઊંચી વસ્તુ મળે તેમાંથી તે પસાર થઇ જાય છે. એટલા માટે જ વીજળી થતી હોય ત્યારે ખુલ્લા મેદાનમાં પણ ના રહેવું જોઈએ. ખેતરમાં કામ કરતા લોકો પર આ જ કારણે વીજળી પડે છે.
જે તે મોડલના ફોનનું ઓરિજિનલ ચાર્જર નવું મળે ? શું ધ્યાનમાં રાખવું?
? સવાલ જવાબ બિલકુલ મળે. ચાર્જરમાં મોડેલ કરતાં હવે કંપનીનું મહત્ત્વ વધારે છે. મોડેલને ચાર્જર સાથે હવે લેવાદેવા નથી રહી. હવે લગભગ તમામ પ્રકારના સ્માર્ટફોનમાં 'સી' ટાઇપ ચાર્જર આવે છે. ઓરિજિનલ ચાર્જર તમે જે તે કંપનીના સ્ટોર પર અથવા તો તે કંપનીની વેબસાઇટ પરથી મગાવી શકો છો. ઘણી મોબાઇલ એસેસરિઝની દુકાન પર પણ તમને ચાર્જર મળી જશે. ચાર્જર ખરીદતી વખતે તે ઓરિજનલ છે કે નહીં તે ધ્યાન રાખવું અને તેનો એક રસ્તો પણ છે. ચાર્જર ઉપર એક કોડ લખેલો હશે, જે 'R... થી શરૂ થતો હશે. ત્યારબાદ bis.gov. in વેબસાઈટ અથવા તો BIS Care નામની એપ પર જઈને આ નંબર સર્ચ કરશો એટલે પ્રોડક્ટ અને કંપની વિશેની તમામ માહિતી
આવી જશે . જો માહિતી ના આવે તો સમજવાનું કે કંઇક ગડબડ છે. # આ સવાલ વાચક સ્મિત પટેલ દ્વારા મોકલાયો છે.
= ટેક્નોલોજી, સોશિયલ મીડિયા સંબંધિત તમારા સવાલો kevalumretiyaa@gmail.com પર પૂછી શકો છો.
માત્ર ઝાડ પર વીજળી પડે તો બની શકે કે થો ડીઘણી ડાળીઓને નુકસાન થાય, પરંતુ જો ઝાડ નીચે માણસ ઊભો હોય અને વીજળી પડે તો બંનેને મોટું નુકસાન થશે. ઝાડ અને માણસનું શરીર બંને વીજળીના વાહક છે. એટલે કે વીજળી તેમાંથી પસાર થઇ શકે છે. માણસનું શરીર ઝાડ કરતાં પણ વધારે સારું વીજળીનું વાહક છે. એટલે ઝાડ અને માણસ એક જગ્યાએ હોય અને ત્યાં વીજળી પડે
તો વધારે નુકસાન થાય તે સ્વાભાવિક છે. આકાશમાંથી પડતી વીજળીમાં 100 મિલિયનથી એક અબજ વોલ્ટની ઊર્જા હોય છે.
ફોન અંતે તો એક ઇલેક્ટ્રિક ડિવાઇસ જ છે એટલે વીજળી પડે એટલે તરત સળગી જાય છે. ઘણીવાર બ્લાસ્ટ થાય છે. જેના કારણે એવું લાગે છે કે મોબાઇલના કારણે વીજળી પડી. જ્યારે હકીકત એ હોય છે કે વીજળીના કારણે મોબાઇલ સળગી ગયો. ફોન સિવાય બીજું કોઇ ગેજેટ હોય તો તે પણ સળગી જશે. આ તો બિલકુલ એવી વાત થઇ કે તમે રસ્તા વચ્ચે ઊભા રહીને ફોનમાં વાત કરતા હો અને એક્સિડેન્ટ થાય તો કહો કે ફોનના કારણે ગાડી તમારા તરફ આકર્ષાઈ!
શું ધ્યાનમાં રાખવું?
વીજળી થતી હોય એટલે સૌથી પહેલું કામ ચાર્જિંગમાં રહેલા ડિવાઈસને કાઢી લેવાનું કરવું. વધારે વીજળી થતી હોય ત્યારે ઘણા લોકો ફ્રિજ, એસી અને ટીવીના પ્લગ કાઢી લે છે તે પણ સારી આદત છે. આ સિવાય ઉપર જણાવ્યું તેમ લેન્ડલાઈન ફોનનો ઉપયોગ ના કરવી (આમ તો હવે બચ્યા પણ નથી), ખુલ્લા મેદાનમાં ના રોકાવું, બેશક ઝાડ નીચે આશરો ના લેવો અને જો ફોન પલળી ગયો હોય તો તરત સ્વિચ ઓફ કરવો. 'દામિની' એપ
કેન્દ્ર સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે 'દામિની' નામની મોબાઈલ એપ વિકસાવી છે. આ એપ સમગ્ર ભારતમાં વીજળી પડવાની ઘટનાઓને ટ્રેક કરે છે અને GPS નોટિફિકેશન વડે 20 કિ.મી.થી 40 કિ.મી. વિસ્તારમાં વીજળી પડવાની જાણ કરે છે. આ એપ વીજળી પડવા વિશે ત્રણ કલાક અગાઉથી ચેતવણી પણ આપે છે. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે આ એપ ખેડૂતોની સાથે-સાથે સામાન્ય લોકો માટે પણ ખૂબ ફાયદાકારક છે. 'દામિની' એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકાય છે. *
.jpeg)